ગઝલ ઃ એ મા હશે

                                                                                                 

 


ગઝલ ઃ એ મા હશે
જે તને જોઈને પળપળ જીવશે એ મા હશે!
ને તને પળપળ હ્રદયમાં રાખશે એ મા હશે!

જે ભીનું ખુદનું બિછાનું રાખશે એ મા હશે!
ને સૂકું તારી નીચે જે મૂકશે એ મા હશે!

માનથી-સન્માનથી દુનિયા તને બોલાવશે;
પણ કહી ‘બેટા’ તને પોકારશે એ મા હશે!

આટલા અભ્યાસમાં પણ રહી જઈશ નાદાન તું;
સત્ય સઘળા પ્રેમથી સમજાવશે એ મા હશે!

આ જગત પળમાં ભુલાઈ જાય છે અહીંયાં ‘જલાલ’;
યાદ કોઈ તોય હરદમ આવશે એ મા હશે!
(વર્ષઃ ૨૦૦૩)-જલાલ મસ્તાન ‘જલાલ’  (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ. ૯૮૭૯૧૯૭૬૮૬)

Advertisements
Posted in ગઝલ | 1 ટીકા

ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં

 

ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં

હાથે કરેલું હૈયે વાગ્યા વગર રહે નહીં,

કુદરત બધા હિસાબો માગ્યા વગર રહે નહીં.

જાણું   છું કે નહીં દો સંગાથ છેક તોયે-

મારું હ્રદય ભરોસો રાખ્યા વગર રહે નહીં.

ક્રૂસે જડાવી દો કે દો ઝેરનો કટોરો-

અલ્લાહનો ફરિશ્તો આવ્યા વગર રહે નહીં.

ખાટાં-મીઠાંની ચિંતા મનમાં ભરી પડી છે,

શબરી તો બોર પોતે ચાખ્યા વગર રહે નહીં.

કે સત્ય બોલવાની કિંમત અદા કરે છે,

ઈસુના હાથે ખીલા વાગ્યા વગર રહે નહીં.

છોને મથી મરે આ દુનિયાના સૌ દુઃશાસન,

અબળાની લાજ ઈશ્વર રાખ્યા વગર રહે નહીં.

જેને લીધે કરી છે મેં સાધના ગઝલની,

જોજો ‘જલાલ’ એ ખુદ વાંચ્યા વગર રહે નહીં.

– જલાલ મસ્તાન ‘જલાલ’ (૯૮૭૯૧ ૯૭૬૮૬)

Posted in ગઝલ | Leave a comment

ગઝલ: આબરૂ

ગઝલ

છાની રહી શકી ન સિકંદરની આબરૂ,

મુઠ્ઠી ખૂલી કે ગઈ છે બરાબરની આબરૂ.

સંભાળજે કે છેક ગહન ઘા સદા રહે,

જોજે ન દોસ્ત, જાય આ ખંજરની આબરૂ.

ઉપર સપાટી પર કદી તરશે ન મોતીઓ,

પેટાળમાં રહે છે સમંદરની આબરૂ.

ફૂલો વચાળે રહીને સુમન થઈ જવાય છે,

ઓછી ન ગણ તું કોઈ મુજાવરની આબરૂ.

કંકાસના સ્વરૂપમાં નીકળી ગઈ બહાર,

ઘરમાં રહી શકી નહીં જે ઘરની આબરૂ.

તારા બધા જ ભાવ મને લાગશે સમાન,

આદર સમાન હોય અનાદરની આબરૂ.

હદથી વધારે એ કસોટી નહીં કરી શકે,

ભક્તોની આબરૂ જ છે ઈશ્વરની આબરૂ.

છેવટ ‘જલાલ’ કંઈક મળ્યું આ ગઝલરૂપે,

છેવટ ‘જલાલ’ રહી ગઈ અક્ષરની આબરૂ.

        – જલાલ મસ્તાન ‘જલાલ’

          ૯૮૭૯૧ ૯૭૬૮૬

Posted in ગઝલ | 3 ટિપ્પણીઓ

લેખક-ચિંતકશ્રી ફાધર વર્ગીસ પૉલની સંસ્થા ‘સી.આઇ.એસ.એસ.’ માટે લખેલું ગીત

લેખક શ્રી ફાધર વર્ગીસ પૉલની સંસ્થા

સી.આઇ.એસ.એસ. (કૅથલિક માહિતી સેવા કેન્દ્ર,

અમદાવાદ) માટે

  પ્રેમની પરિક્રમાનું ગીત

સત્યનું સૌંદર્ય છે ને સત્યનું સન્માન છે,

ચિંતન છે તો એની સાથમાં વિગ્યાન છે.

કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે!

 

સૌને માટે સાવ ખુલ્લાં આ કચેરી-દ્વાર છે,

સૌને માટે સ્નેહ છે ને સૌને માટે પ્યાર છે,

પત્ર-વ્યવહાર, રૂબરૂ કે ફોન પર પણ આવકાર,

જ્યારે પણ જાઓ, મુલાકાતો બની જાય યાદગાર,

ધર્મોમાં જે એકતા ફેલાવવા તૈયાર છે…

કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે!

 

 

ધર્મ સાથે ધર્મનું દર્શન સરસ છે, જોઈ લો!

કોઈ વાડો છે નહીં, સૌ એકરસ છે, જોઈ લો!

પ્રેમની સંસ્કૃતિ અહિંયાં એક સ્તોત્રગાન છે,

 કે વિરોધી મતને માટે પણ અનેરું માન છે.

જ્ઞાનની ધૂણી અહીં વરસોવરસ છે, જોઈ લો…..

કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે!

 

 

ઉપનિષદની વારતાની સાથ ઈસુનું વચન,

બાઇબલનાં પાત્રો સાથે સાવ મઘમઘતું જીવન,

દિવ્યતાનો છે અનુભવ, દિલની દોલત એ જ છે!

એ જ છે આનંદ જીવનનો, સાચી સંગત એ જ છે!

રામ છે, અલ્લાહ છે ને છે મહાભારત-કથન…

કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે!

 

બાઇબલ-સંદેશ જોકે મુખ્ય એનું કામકાજ,

પણ દુઃખી કોઈ રહે નહિ એવું માગે રામરાજ,

માધ્યમોનો સાથ લઈને એ વહાવે સદ્દવિચાર, 

મૂલ્યથી ભરપૂર શિક્ષણનો કરાવે છે પ્રચાર,

ચાલે છે આગળ ને આગળ સૌને લઈને સાથસાથ..

 કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે! 

(સપ્ટેમ્બર-૨૦૦૯ માં કૅથલિક માહિતી સેવા કેન્દ્ર,

અમદાવાદના રજત-જયંતી સ્મરણિકા માટે રચેલી રચના)

  

 

 

 

 

 

Posted in ગીત | Tagged | Leave a comment

નહિ ગમે મને…(ગઝલ)

આથી વધારે કોઈ જતન નહિ ગમે મને,
કે બધે જ આપનું જ મનન નહિ ગમે મને.

મારી વિદાય પરનું રુદન નહિ ગમે મને,
ભીની જગા ઉપરનું દફન નહિ ગમે મને.

અંતર અગર નમે તો પછી કર ભલે સલામ,
દિલથી ન થાય એવું નમન નહિ ગમે મને.

રહેવા દો ધૂળ, માટી, ચૂલા મારા ગામમાં,
ઈંટો ને પથ્થરોનું વતન નહિ ગમે મને.

લખજો જરૂર નામ કશું એના પર તમે,
મારા સમું નિસ્તેજ કફન નહિ ગમે મને.

ઊંડાણમાં જઈને કશુંક તારવી તો લાવ,
ઉપર-ઉપરનું કોઈ કથન નહિ ગમે મને.

ખુદ મા અગર તો એની છબી હોવી જઈએ,
એના વગરનું કોઈ સદન નહિ ગમે મને.

અન્યોની પણ કવિતા જરા માણજો ‘જલાલ’,
મારી જ સૌ ગઝલનું પઠન નહિ ગમે મને.

Posted in ગઝલ | Tagged | Leave a comment

જાતે વાંચવાની હોય (ગઝલ)

દિવસો વીતે છે જાણે સજાઓ ગુનાની હોય!

ને તોય જિન્દગીને સતત જીવવાની હોય!

 

યાદોને જાળવું છું જાણે ફૂલદાની હોય,

ક્યારેક તમને જાણે પરત સોંપવાની હોય.

 

ગુજરી ગયું છે આખું જીવન તારી રાહમાં,

જોઈ જ મેં નથી, અરે! કેવી જવાની હોય!

 

ઓ દોસ્તો, દો તમતમારે સામટાં દુઃખો,

એમાં તો કાંઈ મારી રજા માગવાની હોય?

 

આ જિન્દગીને ઈશની ક્રુપા માનવાની હોય,

જેવી જિવાય એવી જીવી નાખવાની હોય.

 

શેની ખુશી ‘જલાલ’ ગઝલ બાબતે મને-

જાતે લખી-લખીને અગર વાંચવાની હોય!

  (૨૦૦૨) ‘ખૅરિયત’ પાનઃ ૧૪૧.

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

આવી શકે [ગઝલ]

 

જો સ્મરણ તુજ એકલું આવી શકે-

તો ખચીત આંસુ નહીં ફાવી શકે!

 

કેટલું તે યાદમાં આ જોર છે!

આવતાંની સાથ કંપાવી શકે.

 

જે સમયથીયે વધુ દોડી શકે-

શ્વાસને આ કોણ હંફાવી શકે!

 

કંઈક બીજું પણ હ્રદયને જોઈએ,

એકલું નહિ દર્દ પણ ફાવી શકે.

 

કોઈ એવું યાર-સ્નેહી જોઈએ-

જે મને હંમેશ તડપાવી શકે.

 

છે ‘જલાલ’ સૌ ખાનગી મારી ગઝલ,

પણ તું ઇચ્છે, વાત ફેલાવી શકે!  (૧૯૯૦)

[‘ખૅરિયત’ પાનઃ ૦૫]

Posted in ગઝલ | 4 ટિપ્પણીઓ