ગઝલઃ ખબર હતી
ગઝલઃ ખબર હતી
હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી-
એની સુવાસની જ ગઝલ પર અસર હતી!
પટકાઈ હું પડ્યો છું મગર એ પડી નથી;
શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી!
આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં, કહે!
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?
સૌની હતી આ શીખઃ જીવ્યે જા, સુખી થઈશ;
પણ દોસ્ત, મારા ભાગ્યની મુજને ખબર હતી!
જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા?-
જેની જરૂર કેવળ ધરતી ઉપર હતી!
જહેમત ‘જલાલ’ મારા ફકત હાથમાં હતી!
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી!
['ખૅરિયત'પૃષ્ઠઃ ૧૪૨, વર્ષઃ ૨૦૦૩]