ગઝલઃ થઈ ગયા
ગઝલની કલાનો કોઈ વિકલ્પ નથી. આ એવી કલા છે જેને ગાનાર (ગઝલકાર) વાત દુઃખની કરે છે પણ વાંચનારને આનંદ જ મળે છે. ગુજરાતમાં તો હાલમાં ગઝલ ગાનાર કોઈ છે જ નહીં પણ એક સમયે બેગમ અખ્તર અને રફી સાહેબ જેવા મહાનતમ કલાકારોએ ગુજરાતી ગઝલને કંઠ આપતા અને ‘મરીઝ’ જેવા શાયરની ગઝલને ચાર ચાંદ લાગી જતા. રફી સાહેબ પછી ગુજરાતી ગઝલ ગાઈ શકે એવું કોઈ ગુજરાતમાં પાક્યું નહીં એ દુખની વાત છે. અમુક કોમવાદી લોકો ગઝલ જેવા પવિત્ર ક્ષેત્રમાં પણ કોમવાદ, ધર્મ, જ્ઞાતિવાદ અને સગાંવાદ ચલાવે છે તેનું પરિણામ ગઝલ-રસિક પ્રજાને ભોગવવું પડે છે.
અહીં વર્ષ ૧૯૯૨ માં લખેલી અને મારા ગઝલસંગ્રહ ‘ખૅરિયત’ માં પૃષ્ઠઃ ૨૧ ઉપર પ્રગટ થયેલી મારી ગઝલ ‘થઈ ગયા’ રજૂ કરું છું. -જલાલ મસ્તાન ‘જલાલ’ ૯૮૭૯૧ ૯૭૬૮૬
ગઝલઃ થઈ ગયા
લ્યો, તમારા હોઠ અક્ષર થઈ ગયા!
પ્રશ્ન મેં પૂછ્યા ને ઉત્તર થઈ ગયા!
સાવ પાસે છે ઊભાં ને દૂર છે;
શબ્દ બે મોંઘા પરસ્પર થઈ ગયા!
એમને માટે કર્યું શું, પૂછ નહિ;
જાત નિચોવીને અત્તર થઈ ગયા!
ને અમારી જિન્દગીનાં પૃષ્ઠ પર-
એ હકીકત એક નક્કર થઈ ગયાં!
યાદમાં હું એમની વહેતો ગયો;
એમના કાગળ સમંદર થઈ ગયા!
ને સમય સાથે પરિવર્તન થયાં;
શ્વાસ પણ અન્તે તો ખંજર થઈ ગયા!
છે ગઝલમાં સૌ સ્મરણ એનું ‘જલાલ’!
એટલે સૌ શેર સુન્દર થઈ ગયા!
[વર્ષઃ ૧૯૯૨]
જલાલ મસ્તાન ‘જલાલ’ ગુજરાતી ગઝલકાર, અમદાવાદ, ગુજરાત.