ગઝલ: આબરૂ
ગઝલ
છાની રહી શકી ન સિકંદરની આબરૂ,
મુઠ્ઠી ખૂલી કે ગઈ છે બરાબરની આબરૂ.
સંભાળજે કે છેક ગહન ઘા સદા રહે,
જોજે ન દોસ્ત, જાય આ ખંજરની આબરૂ.
ઉપર સપાટી પર કદી તરશે ન મોતીઓ,
પેટાળમાં રહે છે સમંદરની આબરૂ.
ફૂલો વચાળે રહીને સુમન થઈ જવાય છે,
ઓછી ન ગણ તું કોઈ મુજાવરની આબરૂ.
કંકાસના સ્વરૂપમાં નીકળી ગઈ બહાર,
ઘરમાં રહી શકી નહીં જે ઘરની આબરૂ.
તારા બધા જ ભાવ મને લાગશે સમાન,
આદર સમાન હોય અનાદરની આબરૂ.
હદથી વધારે એ કસોટી નહીં કરી શકે,
ભક્તોની આબરૂ જ છે ઈશ્વરની આબરૂ.
છેવટ ‘જલાલ’ કંઈક મળ્યું આ ગઝલરૂપે,
છેવટ ‘જલાલ’ રહી ગઈ અક્ષરની આબરૂ.
- જલાલ મસ્તાન ‘જલાલ’
૯૮૭૯૧ ૯૭૬૮૬
સચેજ સચવાઈ ગઝલના ઘરની આબરૂ!
સુંદર ગઝલ.કબિલે દાદ.ધન્યવાદ.
મુહમ્મ્દઅલી વફા
bazmewafa - February 12, 2010 at 5:22 pm |
વાહ જલાલભાઈ…
કાબિલ-એ-દાદ ગઝલ થઈ છે બહુજ ગમી… એમાંય આ શેર લા-જવાબ..
તારા બધા જ ભાવ મને લાગશે સમાન
આદર સમાન હોય અનાદરની આબરૂ.
-અભિનંદન.
મારી ગઝલો માણવા આમંત્રણ….www.drmahesh.rawal.us પધારો.
ડૉ.મહેશ રાવલ - September 13, 2010 at 6:00 am |