(ગઝલ) જિન્દગી

જાણે કોની બદદુઆનું ઘર બની ગઈ જિન્દગી!

ફૂલ જેવો હું અને પથ્થર બની ગઈ જિન્દગી.

 

પણ મળ્યાં જો આપ તો સુન્દર બની ગઈ જિન્દગી,

લોકની ઈર્ષ્યા સમું મંઝર બની ગઈ જિન્દગી!

 

શી રીતે શીખતાં હશે પંખીનાં બચ્ચાં ઊડવું?

શી રીતે એ જન્મથી સધ્ધર બની ગઈ જિન્દગી?

 

મોતનીયે બાદ લોકોને સુવાસો પહોંચે,

જિન્દગી તો એ જ જે અત્તર બની ગઈ જિન્દગી!

 

જોઈને મુજને ગઝલ લોકોને દેખાઈ ‘જલાલ’,

હું ભૂલ્યો જો શાયરી, શાયર બની ગઈ જિન્દગી!

 

કલ્પના ઘોડા ને છન્દો બંગલા મારા ‘જલાલ’,

કોણ કહે છે આપણી બેઘર બની ગઈ જિન્દગી!(૨૦૦૨)

 

(‘ખૅરિયત’ પાનઃ ૧૨૪)

- જલાલ મસ્તાન ‘જલાલ’

 

Leave a Comment