હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી,
એની સુવાસની જ ગઝલ પર અસર હતી.
પટકાઈ હું પડ્યો છું, મગર એ પડી નથી,
શ્રધ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી.
આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં કહે?
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?
સૌની હતી આ શીખઃ જીવ્યે જા, સુખી થઈશ!
પણ દોસ્ત, મારા ભાગ્યની મુજને ખબર હતી.
જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા!
જેની જરૂર ફકત આ ધરતી ઉપર હતી.
જહેમત ‘જલાલ’ મારા ફકત હાથમાં હતી,
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી. (૨૦૦૩)
‘ખૅરિયત’ પાનઃ ૧૪૨
- જલાલ મસ્તાન ‘જલાલ’