બધાને એકસરખી ચાહના મળતી નથી હોતી,
કદીક તો ઘા મળે ને વેદના મળતી નથી હોતી.
જિવાતી જિન્દગીથી દૂર તેથી હોય છે કાવ્યો-
કે વાસ્તવને અનુરૂપ કલ્પના મળતી નથી હોતી.
ઉમંગો લઈ મૂકું પ્રસ્તાવ તો ફળતા નથી હોતા!
ન ધાર્યું હોય ત્યાં અવહેલના મળતી નથી હોતી.
ગઝલ તો આ સહજ લખતાં લખાઈ જાય છે, મિત્રો!
જો નીકળું શોધવા તો પ્રેરણા મળતી નથી હોતી.
હું ભજવું પાત્ર ઈસુનું તો એ જીવંત ક્યાંથી હોય?
અભિનયમાં તો એની યાતના મળતી નથી હોતી.
ગઝલની આ કલામાં પણ ‘જલાલ’ કેવી કરુણતા છે!
લખું જેને લીધે એને મજા મળતી નથી હોતી. (૧૯૯૪)
(‘ખૅરિયત’ પાનઃ ૪૦)