ગઝલ સજદા

ચારેતરફ જેને સજદા, ચારેતરફ જેને વંદન!-

રહે છે સદા એ જ ઓઝલ, દેતો નથી એ જ દર્શન!

 

ક્યાંથી હું પહોંચું કિનારે, ક્યાંથી મળે મુજને મંઝિલ?

પાણી ડુબાડે કિનારે, રસ્તા જ જ્યાં થાય દુશ્મન!

 

સાચી મુહોબ્બતમાં કાયમ જીરવી શક્યો નહિ ઉપેક્ષા, 

તેથી દીવાનો બન્યો કે એનું ન સમજાય વર્તન.

 

અલ્લાહ, તું મારા ઘરની દીવાલ તૂટવા ન દેતો,

જેથી ન કોઈ નિહાળે ઘરમાં ગરીબીનું નર્તન.

 

ગમના દિવસને મેં એની સોગાત માની લીધા છે,

જેણે ખુશીને બનાવી, ગમ પણ છે એનું જ સર્જન.

 

સ્વતંત્ર રહીને ‘જલાલ’ આ જીવન જીવી ના શક્યો હું,

પરવશ રહી જિન્દગી ને કાવ્યોમાં છન્દોનું બંધન. (૨૦૦૩)

(‘ખૅરિયત’ પાનઃ ૧૪૮)

Leave a Comment