દેખાઈ ગયાં (ગઝલ)

પીઠ પાછળ ઘા કરીને દોસ્ત કહેવાઈ ગયા,

દોસ્તોનાં નામ મારા દિલમાં અંકાઈ ગયાં.

 

પ્રેમ-પ્રકરણમાં થયા બદનામ તો શું થઈ ગયું?

જોઈ લો કે કાવ્યમાં તો ખૂબ પંકાઈ ગયા.

 

ગ્યાન એનું કાન કાલે માનવીના ખોલશે,

શૂળ છોને કાનમાં આજે તો ભોંકાઈ ગયા.

 

આ કરચલી મુખ ઉપરની કંઈ અમસ્તી છે નહીં,

મેં સહેલાં દુખ મારા ચહેરે દેખાઈ ગયાં.

 

હું નશામાં પ્રેમના દુનિયા બદલવા નીકળ્યો,

સૌપ્રથમ બદકિસ્મતીથી એ જ બદલાઈ ગયાં.

 

રાહબરનો યાદ જ્યાં આવી ગયો ચહેરો મને,

માર્ગમાં મારાં કદમ ઠોકરથી લથડાઈ ગયાં.

 

સાવ જોડકણા હતા મારી ગઝલના શેર ‘જલાલ’,

જ્યાં તમે વાંચ્યા કે એના રૂપ બદલાઈ ગયાં. (૧૯૯૮)

‘ખૅરિયત’ પાનઃ ૭૩.

 

Leave a Comment