સ્પર્શી ગઈ (ગઝલ)

આટલાં દુઃખમાંય આ સ્થિતપ્રગ્નતા સ્પર્શી ગઈ,

બદનસીબીનેય મારી સભ્યતા સ્પર્શી ગઈ.

 

સાવ સામે હોય ને તોયે ન કહેવાયે કશું

પ્રેમના પ્રકરણની આ ગંભીરતા સ્પર્શી ગઈ.

 

છેક લગ મારી જ સાથે દર્દ એનું ૫ણ જીવ્યું,

એ રીતે આખા જીવનને બેવફા સ્પર્શી ગઈ.

 

જે ન સમજ્યા એ સભામાં મુખ વકાસી જોઈ રહ્યા,

એ ઊઠી ચાલ્યા કે જેને દુઃખકથા સ્પર્શી ગઈ.

 

કોઈને મારી ગઝલની વેદના સ્પર્શી ગઈ,

કોઈને મારી સુખોની કલ્પના સ્પર્શી ગઈ.

 

નીકળી ચૂક્યા ફરિશ્તાઓ મને લેવા ‘જલાલ’,

  લાગે છે અલ્લાહને મારી દુઆ સ્પર્શી ગઈ. (૨૦૦૨)

 

‘ખૅરિયત’ પાનઃ ૧૨૩

જલાલ મસ્તાન ‘જલાલ’

Leave a Comment