દામન જરાય મારું હતું દાગદાર ક્યાં?
તોયે થયો છે તુજને કદી મુજથી પ્યાર ક્યાં?
શું કામ દોસ્ત, હાથ ખભેથી લઈ લીધો?
કે લાગતો જ મુજને હતો એનો ભાર ક્યાં?
જ્યાં થાય છે મને કે નથી ક્યાંય પણ ખુદા-
એવા સમયે તું હોય છે ૫રવરદિગાર ક્યાં!
શોધ્યા ઘણાય હશ્રમાં એ લોકને જ મેં;
તાજ્જુબ છે! ગયા એ દુ:ખો આ૫નાર ક્યાં?
છે સામટું મળેલ દરદ સાત જન્મનું,
એની લઈ શકાય હવે સારવાર ક્યાં?
દુ:ખ તો ‘જલાલ’ એમ કંઈ કમ થતાં હશે?
રાખે છે આ ગઝલની ઉ૫ર તું મદાર ક્યાં? (૨૦૦૨)
‘ખૅરિયત’ પાનઃ ૧૪૦
જલાલ મસ્તાન ‘જલાલ’