ગુજરાતને મિનિ-જાપાન બનાવવાની કેટલાક લોકો મહેનત કરી રહ્યા છે પણ પ્રજાને તો પૂછો! આ રાજ્યની પ્રજા ઇચ્છે તો જ એ શક્ય છે, એ સિવાય નહીં.
આપણે જાહેરમાં ફટાકડા ફોડી-ફોડીને અન્ય લોકોને દઝાડીએ છીએ ત્યારે એ ખ્યાલ આપણા મનમાં હોતો નથી કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે લગ્ન-પ્રસંગોએ રસ્તાઓ પર હાહાકાર મચાવીને આપણી સંપત્તિનું વરવું પ્રદર્શન કરીએ છીએ ત્યારે આપણે આપણું સ્વપ્ન ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણાં વાહનોની નંબર-પ્લેટ પર નંબરના બદલે આપણે કોઈ પણ ધર્મનું નિશાન લગાવી દઈએ છીએ, અથવા ‘સ્વામી શ્રી ૧૦૦૮’ લખી દઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે તલાટીને ૫૦ રૂપિયા આપીને કામ કઢાવી લઈએ છીએ ત્યારે આપણા મનમાંય નથી હોતું કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે એસ.ટી. બસમાં કે રેલવેમાં આપણા ધર્મનાં ચિહ્નો લગાવાવા માટે બાંયો ચડાવીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે જાહેરમાં આપણી સ્વતંત્રતા ભોગવવા માટે અન્ય કેટલાય લોકોની સ્વતંત્રતાનો બલિ ચડાવી દઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. જાહેર સેવાઓમાં આપણે તમામ પ્રકારની કુસેવા અને ભ્રષ્ટાચાર આચરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણને કોઈ જાગ્રુત નાગરિક સાચો નિયમ બતાવે તો આપણે એને ગુંડાઓ પાસે મરાવીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે કોઈ ધર્મનો ઠેકો લઈને બેસી જઈએ છીએ અને પછી કોઈ પણ ગુનો આસાનીથી કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે પોલીસ-પ્રજા-સરકાર એ બધાંની ઉપર આપણો પ્રભાવ પાથરી દઈને કાળાં કામો કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે.
સ્વાતંત્ર્યદિન આવે ત્યારે આપણે ધ્વજ-વંદનમાં ભાગ લઈને ગાંધીજીનો આભાર માનીએ છીએ કે હે બાપુ, તમે ના હોત તો અમારું શું થાત, કેમ કે તમે એ અંગ્રેજોને ભગાડ્યા ત્યારે તો અમે હવે ઇચ્છા મુજબ તમામ ‘કામ’ કરી શકીએ છીએ! રહેવા દોને ભાઈ, નથી બનવું અમારે મિનિ-જાપાન! આમાં જ મજા મજા મજા છે!
- જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર)